પોતાની તમામ સંપત્તિ વેચીને 6 કરોડ રૂપિયા દાનમાં આપી દીધા, દેવામાં ડૂબેલી સગી દીકરીને ફુટી કોડી પણ ન આપી
ચીનની એક મહિલાએ પોતાની તમામ સંપત્તિનું દાન કરી દીધું હતું. લગભગ 6 કરોડ રૂપિયા ચેરિટી માટે દાન કર્યા બાદ તે રસ્તા પર ફરતી દેખાતી હતી. આ મહિલા ચર્ચામાં એટલા માટે આવી છે કેમ કે તેણે પોતાની દીકરીને એક ફુટી કોડી પણ નથી આપી. તેની દીકરી સ્કૂલ ફી ભરી શકતી નહોતી, તો પણ તેને એક રુપિયો પણ ન આપ્યો. આ મહિલાએ પોતાના પરિવાર કે દીકરી માટે એકેય રૂપિયો ન રાખ્યો. દેવામાં ડૂબેલી દીકરીને મદદ કરવાની જગ્યાએ બધી સંપત્તિ વેચીને તેમાંથી આવેલા રૂપિયાનું દાન કરી દીધું. ચીનની આ મહિલાની ખૂબ ટિકા થઈ રહી છે.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, એક વ્લોગરે શંઘાઈના રસ્તા પર ફરી રહેલી મહિલાનો ઈન્ટરવ્યૂ લીધો હતો. આ ઈન્ટરવ્યૂમાં મહિલાએ જણાવ્યું કે, તેણે 2019માં બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો અને સાધુ બની ગઈ હતી. મીડિયાના જણાવ્યા અનુસાર, મહિલાએ પોતાના તમામ રૂપિયાનું દાન કરી દીધું, તેણે પોતાનું ઘર, ગાડી બંગલો બધું વેચીને લગભગ 5.88 મિલિયન યુઆન એટલે કે, 6 કરોડ 69 લાખથી પણ વધારે થાય છે. જે તેણે ચેરિટી માટે દાન કરી દીધા.
દીકરી પાસે ફી ભરવાના પણ રૂપિયા નથી મહિલાએ એવું પણ જણાવ્યું કે, તેણે પોતાના બધા રૂપિયાનું દાન કરી દીધું તે સમયે તેમની દીકરી પાસે યુનિવર્સિટીની ફી ભરવા માટે રૂપિયા નહોતા. તેના પર એજ્યુકેશન લોન હતી. તેમ છતાં પણ દીકરીની મદદ કરવાની જગ્યાએ તેણે આટલી મોટી રકમ દાન કરી દીધી. તેણે તેના માટે કે પરિવારના કોઈ સભ્ય માટે ફુટી કોડી પણ ન મુકી.
આ મારી કમાણી હતી, મેં દાન કરી દીધી મહિલાનું કહેવું છે કે, તેનો આ નિર્ણય દીકરીને ન ગમ્યો, પણ મારા માતા-પિતાએ મારા નિર્ણયનું સ્વાગત કર્યું. આ નિર્ણય મારી દીકરીને સમજાયો નહીં. આ બધાં રૂપિયાનું દાન કરી દીધું કેમ કે, તે મારી કમાણીના હતા.