ફરિયાદ ના ઢગલા થાય તો પણ મૂંઝાવું નહીં કહેનાર એક જ FIR માં ભૂગર્ભમાં ઉતરી ગયા! જો હવે 48 કલાકમાં ન પકડાય તો ઉપવાસ આંદોલન ની મયુરસિંહ નાં પરિવાર ની ચિમકી…..
રાણો રાણાની રીતે ફેમ લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા ઘણાં દિવસોથી ભારે ચર્ચામાં છે.દેવાયત સહિત બે વ્યક્તિઓએ મયુરસિંહ રાણા પર હુમલો કર્યો હતો.જે બાદ તે સાત ડિસેમ્બરથી ફરાર છે.રાજકોટ પોલીસ દેવાયત ખવડ અને હુમલામાં સામેલ તેના સાગરીતોને પકડવાના દાવાઓ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે,ગત તારીખ 7 ડિસેમ્બરના રોજ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મયુરસિંહ રાણા નામની વ્યક્તિ જ્યારે પોતાની ઓફિસથી પોતાના ઘરે જઈ રહી હતી,ત્યારે તેના પર દેવાયત સહિત બે વ્યક્તિઓએ હુમલો કર્યો હતો.
આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની કલમ સહિતની કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જે કેસમાં આગોતરા જામીન મળે તે માટે આગોતરા જામીન અરજી પણ દેવાયત ખવડ દ્વારા કરવામાં આવી છે.બોર્ડ પર આ કેસ આવ્યા બાદ બંને પક્ષના વકીલો અને ન્યાયાધીશ શું ફેસલો સંભળાવે છે,તે અતિમહત્વનું બની રહેશે.
તમામ ઘટનાક્રમની વચ્ચે મયુરસિંહ રાણાના પરિવારજનો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં મયુરસિંહ રાણાના પિતરાઈ ભાઈ પ્રદીપસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,દેવાયત ખવડને પોલીસ સાથે સાંઠગાંઠ છે.
પોલીસ મારા ખિસ્સામાં છે તેવી દેવાયત ખવડ અને તેના ભાઈઓ દ્વારા વાત કરવામાં આવે છે.જો આગામી 48 કલાકમાં દેવાયત ખવડને પકડવામાં નહીં આવે તો મયુરસિંહ રાણા અને પરિવાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આગામી દિવસોમાં જો દેવાયત ખવડને પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.
મયુરસિંહ રાણાના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે,દેવાયત ખવડ વિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ માથકમાં મારામારી,હુમલો,ધાકધમકી આપ્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે.જે કેસ હજુ પણ પેન્ડિંગ છે.દેવાયત ખવડ ગુજરાતના અનેક પોલીસ અધિકારીઓ,કર્મચારીઓ સાથે ગાઢ સંબંધ ધરાવે છે.જેના કારણે કોઈ પડદા પાછળ તેને સાથ આપી રહ્યો હોવા સહિતના આક્ષેપો મયુરસિંહ રાણાના પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યા છે.