ગરીબ પિતા સાથે બુટ ચંપલ વેચનાર દિકરો મહેનત કરીને બન્યો આઇએએસ,પ્રથમ પ્રયત્ને જ કર્યુ સપનું સાકાર…
રાજસ્થાનના જયપુરમાં રહેતા અનિલ ગુપ્તા બુટ-ચપ્પલ વેચવાનું કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા.પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે અનિલ ગુપ્તા જયપુરથી મહારાષ્ટ્રના એક નાના ગામડામાં રહેવા માટે આવી ગયા અને પોતાની નાની એવી બુટ-ચપ્પલની દુકાન શરૂ કરી.અહી આવ્યા પછી અનિલભાઈ માટે સૌથી મોટી સમસ્યા સંતાનના અભ્યાસની ઊભી થઈ કારણકે એ જ્યાં રહેતા હતા ત્યાં આસપાસ બધી શાળાઓમાં મરાઠી માધ્યમ હતું અને દીકરા શુભમને મરાઠી આવડે નહિ.
શુભમ માટે પોતે જ્યાં રહેતા હતા ત્યાંથી 80 કિલોમીટર દૂર ગુજરાતમાં વાપીમાં એક હિન્દી માધ્યમની શાળામાં એડમિશન લીધું.7 ધોરણ સુધીનો અભ્યાસ જયપુરમાં પૂરો કરનાર શુભમ 8 ધોરણમાં ગુજરાતની જ એક શાળામાં દાખલ થયો અને આટલી નાની ઉંમરે પોતાના ઘરથી 80 કિમી દૂર ટ્રેનમાં મુસાફરી કરીને ભણવા માટે જતો.રોજ સવારે 6 વાગ્યે ઘરેથી નીકળી જાય અને બપોરે 3 વાગ્યે ઘરે પાછો આવે.
બપોરે ઘરે પરત ફર્યા બાદ પિતાની સાથે જ બૂટ-ચપ્પલની દુકાન પર કામ કરવા માટે પહોંચી જાય.એમની ઉમરના છોકરાઓ રમતની મજા લેતા હોય ત્યારે શુભમ પરિવારને આર્થિક ટેકો આપવા માટે બૂટ-ચપ્પલ વેચવાનું કામ કરતો હોય.ભણવા જવા માટેની રોજની 160 કિમીની મુસાફરી,બપોર બાદ દુકાનમાં કામ કર્યા પછી સવારે વહેલું જાગવાનું હોવા છતાં શુભમ મોડી રાત સુધી વાંચતો હતો.12માં ધોરણ સુધીનો અભ્યાસ ગુજરાતમાંથી જ પૂર્ણ કર્યા બાદ શુભમે કોમર્સમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.
કોલેજના અભ્યાસ દરમ્યાન શુભમ ગુપ્તાએ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરીને કલેકટર બનવાનો સંકલ્પ કર્યો.બૂટ-ચપ્પલ વેચવાનું કામ કરતા પરિવારના દીકરા માટે ભારતની સૌથી અઘરી પરીક્ષા પાસ કરવી કોઈ રમત વાત નહોતી પરંતુ શુભમ પોતાના સંકલ્પને સાકાર કરવા કટીબદ્ધ હતો.
ખૂબ મહેનત અને પૂરતી તૈયારી પછી યુપીએસસીની પરીક્ષા આપી પરંતુ પ્રથમ પ્રયાસમાં સફળતા ન મળી.બીજા પ્રયાસમાં સફળતા મળી પણ રેન્ક પાછળ હતો એટલે આઇ.એ.એસ. કેડર ન મળી.ત્રીજો પ્રયાસ કર્યો તો એમાં પણ સફળતા ન મળી.હથિયાર હેઠા મૂકવાના બદલે સંકલ્પને સાકાર કરવા માટે નોકરી કરતા કરતા જ સખત મહેનત કરીને ચોથો પ્રયાસ કર્યો જેમાં એમણે સમગ્ર ભારતમાં છઠ્ઠો નંબર પ્રાપ્ત કર્યો અને આઇ.એ.એસ.ઓફિસર બનવાનું જોયેલું સપનું સાકાર થયું.
શુભમ ગુપ્તા હાલમાં આઇ.એ.એસ.ઓફિસર તરીકે સેવા આપે છે.એક સમયે બૂટ-ચપ્પલ વેચવાનું કામ કરનારો છોકરો જિલ્લાનો રાજા બનીને કેટલાય બૂટ-ચપ્પલ વગરના લોકોના કલ્યાણ માટેની યોજનાઓનો અમલ કરે છે.