મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ નાં ઝધડા પાછળ હતું આ કારણ, જાણો સમગ્ર…
રાણો રાણાની રીતે સહિતના ડાયલોગથી પ્રખ્યાત થઈ ગયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ગુંડાને પણ શરમાવે તે હદે ક્ષત્રિય યુવાન પર જીવલેણ હુમલો કરીને ફરાર થઈ ગયાના દસ દિવસ બાદ અચાનક જ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી.બીજી બાજુ દેવાયત ખવડનો કબજો એ-ડિવિઝન પોલીસને સોંપાતાં જ પૂછપરછમાં તેણે પોલીસને તો ઠીક લોકોને પણ ગળે ન ઉતરે તેવી કબૂલાત આપવાનું શરૂ કરી દેતાં આખરે સાચું શું તેને લઈને પોલીસ ચકરાવે ચડી ગઈ છે.
બીજી બાજુ દેવાયતની સાથે હુમલામાં સામેલ તેનો કાયમી ડ્રાઈવર અને ગેરેજમાં કામ કરતો તેનો મીત્ર સામેથી એ-ડિવિઝન પોલીસમાં હાજર થઈ જતાં બન્નેની ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
લોકસાહિત્યકાર દેવાયત ખવડે ગત 7 ડિસેમ્બરના રોજ રોજ કરેલી મારામારીના કેસમાં પોલીસે આજે દેવાયત ખવડ અને તેના બે સાગરીતોની ધરપકડ કરીને કોર્ટમાં પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કર્યા હતા.જેમાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.પોલીસે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે દેવાયત ખવડે કરેલા હુમલા પાછળ કયું કારણ જવાબદાર છે?
હુમલો કરનાર હથિયાર ક્યાંથી લાવ્યા ? બે સાગરીતોની ઓળખ પરેડ બાકી છે તેના માટે આરોપીઓની જરૂરિયાત અને 9 દિવસ સુધી ફરાર હતા ત્યારે તેના આશ્રય સ્થાન સહિતના મુદ્દે તપાસ હાથ ધરાશે.
હુમલા પાછળ અકસ્માત નહિ અન્ય કારણ હોવાનો દેવાયત ખવડના વકિલનો દાવો કોર્ટમાં દલીલ વખતે દેવાયત ખવડના વકીલે ઉત્કર્ષ દવેએ કહ્યું હતું કે પોલીસે ફરિયાદમાં જે આઇપીસી 307 નો ગુનો નોંધ્યો છે તે ખોટો છે.દેવાયત ખવડે એવી કોઇ જીવલેણ ઇજા પહોંચાડી નથી.હુમલા પાછળ પોલીસે એફઆરઆઇમાં હુમલા પાછળ અકસ્માતની જૂની અદાવત ગણવામાં આવી છે.જો કે હુમલા પાછળ અન્ય કારણ છે.
દેવાયત ખવડના વકીલે કહ્યું હતું કે ભારત બહાર રહેતા જીત મોડાસિયા નામના વ્યક્તિ સાથે મળીને ફરિયાદી મયુરસિંહ રાણાએ સોશિયલ મિડીયામાં દેવાયત ખવડ અને તેના પરિવારને અભદ્ર શબ્દો બોલ્યા હતા.તેના પરિવારના સભ્યોને ગાળો આપીને ઉશ્કેરવામાં આવ્યા હતા.જે અંગે અગાઉ હાઇકોર્ટમાં અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે જો કે ફરિયાદમાં આ અંગેનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
કલમ 307 અંગે ચાર્જશીટ થયા બાદ નિર્ણય થઇ શકે કોર્ટમાં દેવાયત ખવડના વકીલે કલમ 307 અયોગ્ય હોવાની કરેલી ટિપ્પણી અંગે કહ્યું હતું કે ફરિયાદમાં લગાડેલા આક્ષેપો ખોટા છે કે સાચા તે અંગેની દલીલ ચાર્જશીટ મૂકાયા બાદ તેની દલીલ થઇ શકે છે.આ અંગેની દલીલ હાલના સંજોગોમાં અગ્રાહ્ય હોવાનો દાવો કર્યો હતો.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે સરન્ડર થયા બાદ દેવાયતે પોલીસને એવી કબૂલાત આપી છે કે જ્યારે આ બનાવ બન્યો તેના આગલા દિવસે મતલબ કે છ ડિસેમ્બરે તેણે તેના ગેરેજમાં કામ કરતાં મીત્ર કિશન દિલીપભાઈ કુંભારવાડિયા (ઉ.વ.22, રહે.આનંદનગર કોલોની, ગાયત્રી મંદિરના બગીચા પાસે) મારફતે અનિલ કણઝારીયા નામની વ્યક્તિ પાસેથી સ્વિફ્ટ કાર વેચાતી લેવી હોય મંગાવી હતી. આ પછી બનાવના દિવસે સાત ડિસેમ્બરે તે પોતે,તેનો કાયમી ડ્રાઈવર હરેશ ઉર્ફે કાનો દેવરાજભાઈ ઘેડ-રબારી (ઉ.વ.38, રહે.હિંગોળગઢ વીંછિયા) અને કિશન કુંભારવાડિયા ગાડીની ટેસ્ટીંગ ડ્રાઈવ લેવા માટે સર્વેશ્વર ચોક પાસેથી નીકળ્યા હતા. ડ્રાઈવ લઈને જ્યારે તેઓ પરત સર્વેશ્વર ચોક પાસે કે જ્યાં આ બનાવ બન્યો ત્યાંથી પસાર થતા હતા ત્યારે સામે મયુરસિંહ રાણાને જોઈ જતાં તેને આંતરીને હુમલો કરી દીધો હતો.
હુમલા વખતે ઉપયોગમાં લેવાયેલી સ્વીફ્ટ કારમાં નંબર પ્લેટ નહોતી અને પાઈપ ક્યાંથી આવ્યા તે બાબતે દેવાયત એવું રટણ કરી રહ્યો છે કે તેણે અનિલ કણઝારીયા પાસેથી જ્યારે સ્વિફ્ટ ગાડી લીધી ત્યારે જ તેમાં નંબરપ્લેટ નહોતી અને બે પાઈપ પણ તેમાં પડેલા જ હતા જેના થકી તેણે મયુરસિંહ રાણા ઉપર હુમલો કર્યો હતો !! મતલબ કે પાઈપ તે બહારથી લાવ્યો નહોતો.
મયુરસિંહ રાણા ઉપર હુમલો કર્યા બાદ દેવાયત,કિશન અને હરેશ મુળી તાલુકામાં ગઢડા રોડ ઉપર આવેલી દેવાયતની વાડીએ નાસી છૂટ્યા હતા.જો કે કિશન રસ્તામાં ઉતરી ગયો હતો એટલે દેવાયત અને હરેશ બનાવના દિવસથી લઈ ગઈકાલ સુધી વાડીએ જ રોકાયા હતા.જો કે પોલીસને આ વાત બિલકુલ માનવામાં આવતી ન હોય તેણે દેવાયત સહિત ત્રણેયને રિમાન્ડ પર લેવા માટે કોર્ટ પાસે માંગણી કરી છે.