ભગવાન શિવ નો અનોખો શિવ ભક્ત,પાટીદાર યુવકે કર્યા શિવ-પાર્વતી સ્ટાઈલ માં લગ્ન,લગ્ન સમયે આવ્યાં અઘોરી સાધુઓ અને જાનૈયાઓ, યુવાન પોતે હાથ માં ત્રિશૂળ લઈને ગયો પરણવા,જૂઓ ફોટાઓ…
શિવકથામાં સૌથી મહત્ત્વનું પ્રકરણ શિવ-પાર્વતીના વિવાહનું છે.ગઈ શિવરાત્રિ(18 ફેબ્રુઆરી)એ ગુજરાતમાં એક ચૂસ્ત શિવભક્તે શિવજીની સ્ટાઈલમાં જ લગ્ન કર્યા હતા.શિવજીની જાન જે રીતે અનોખી હતી એ રીતે જ આ યુવાનની જાન પણ અલગ જ હતી.શિવજીની જાનમાં ભૂત-પ્રેતને પણ સામેલ કર્યાં હતા અને કોઈ પશુના રૂપમાં તો કોઈ રક્ત પીતાં.શિવજીનો ભયાનક વેશ જોઈ પાર્વતીનાં માતા મેના પણ ભયભીત થઈ ગયાં અને રડવા લાગ્યાં હતા.આ રીતે જ સેજલને પરણવા નીકળેલા વૃષભ પટેલની જાન પણ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે,કારણ કે તેના વરઘોડામાં પણ અઘોરીઓ જોડાયા હતા.
18 ફેબ્રુઆરીના રોજ એક તરફ સમગ્ર દેશમાં મહાશિવરાત્રિ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી હતી.તો બીજી તરફ ગોધરાના કાછિયા સમાજના ઋષભ પટેલે શિવજીની વેશભૂષા ધારણ કરી લગ્ન કર્યા હતા.વરરાજા એવા ઋષભે શિવજીની વેશભૂષા સાથે શરીરે ભસ્મ લગાવી હતી અને હાથમાં ત્રિશુળ ધારણ કરી શહેરના મુખ્ય માર્ગો ઉપર વરઘોડો કાઢી ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતે લગ્ન કર્યા હતા,જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.આ લગ્નના વરઘોડામાં નાગા સાધુઓ અને ભૂતોની જેમ અઘોરી સાધુઓ પણ જોડાયા હતા.
ઋષભ પટેલે શિવજીની સ્ટાઈલમાં શા માટે લગ્ન કર્યા,કેટલો ખર્ચ કર્યો,લગ્નમાં કેટલા અઘોરી સાધુઓ અને તેઓ ક્યાંથી આવ્યા હતા તે સહિતની તમામ વિગતો જાણવા મિડીયાએ તેની સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.આ વાતચીતમાં તેમણે શિવ સતત તેની સાથે હોય એવો અહેસાસ કરાવતો એક કિસ્સો પણ વર્ણવ્યો હતો.
ઋષભે બાળપણમાં ગુમાવેલી પિતાની છત્રછાયા અને શિવની લાગેલી લગની અંગે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું કે,મારો પરિવાર બહોળો છે.મારી માતાનું નામ ગૌરીબેન જીતેન્દ્રકુમાર પટેલ છે.હું તેમનું એકનું એક સંતાન છું.મારા કાકા અને તેમનો પરિવાર છે.અમે બધા સાથે જ રહીએ છીએ.મારા પિતા જીતેન્દ્રકુમાર પટેલનો સોપારી તથા બિસ્કિટ વગેરેનો હોલસેલનો વેપાર હતો,હું જ્યારે 8માં ધોરણમાં ભણતો હતો ત્યારે જ તેઓ ગુજરી ગયા હતા.ત્યાર બાદ હું ફક્ત 9 ધોરણ સુધી ભણી શક્યો હતો.પિતાનું અવસાન થતા અભ્યાસ છોડી પિતાનો ધંધો સંભાળી લીધો અને મારા કાકા તથા મામા સહિતના પરિવારજનોએ મને સાચવ્યો હતો.અમારી દુકાને બેસીને કામ કરતો ત્યારે મારા પિતાના મિત્ર શિવભક્ત છે.એમની સાથે રહીને હું શિવભક્તિ શીખ્યો.ત્યારબાદથી શિવભક્તિમાં લાગેલો છું અને શિવભક્તિના રંગે રંગાઈને શિવમય બની ગયો.
ઋષભે આગળ કહ્યું કે,આ દરમિયાન મારા પિતાના મિત્રએ જ મને શિવની પૂજા શીખવાડી હતી,ત્યારથી હું શીખ્યો હતો કે શિવ શું છે? શિવભક્તિથી શું થાય? શિવ પામવાથી શું થાય? એ બધું જ જ્ઞાન મળ્યું.તેથી મેં નક્કી કર્યું હતું કે મને શિવ મળ્યા છે તો શિવની આજ્ઞાથી જ્યારે પણ લગ્ન કરીશ કે જીવનમાં આગળ વધીશ તો શિવભક્તિ તરફથી જ કરીશ.તો શિવ ભગવાને જે રીતે લગ્ન કર્યા હતા એ રીતે જ મને પણ લગ્ન કરવાનો વિચાર આવ્યો.
આ રીતે લગ્ન કરવા વિશે ઋષભે કહ્યું હે,હું જ્યારે 7 વર્ષ અગાઉ હું શિવભક્ત બન્યો ત્યારથી જ વિચારી રાખેલું.મારા ઘર પાસે અંકલેશ્વર મહાદેવ મંદિર છે.મહાદેવનું આ મંદિર આશરે 450 વર્ષ જૂનું છે.ત્યાં જ મેં પૂજા-અર્ચના શીખી હતી,એટલે સૌપ્રથમ તો મંદિરનો જીર્ણોધ્ધાર કરીને અહીં જ લગ્ન કરીશ એવું નક્કી કરી રાખેલું,એ પછી મેં 15 થી 20 લાખના ખર્ચે મંદિરનો જીર્ણોધ્ધાર પણ કરાવ્યો.સાધુ સંતો અને અઘોરીઓને બોલાવવા મેં પ્લાનિંગ કર્યું કે તેમને આમંત્રણ આપું.જેથી તેમને પણ આનંદ આવે.અંકલેશ્વર મંદિર અખાડા ટ્રસ્ટનું મંદિર છે.અહીં ઘણા સાધુ સંતો અને અઘોરીઓ આવતાં રહેતા હોય છે.જે મારા કોન્ટેક્ટમાં હતા.આ અંગે છેલ્લા 2 વર્ષથી વાત ચાલતી હતી કે મારે આ રીતે જ લગ્ન કરવા છે.મેં અઘોરીઓ અને સાધુ-સંતોને કહ્યું હતું કે,હું જ્યારે પણ છોકરી શોધીશ,હું તમને જાણ કરીને તમારી સાથે મુલાકાત કરીશ.એમાં મને સાથ સહકાર આપશો.એમણે મને વચન આપ્યું હતું કે તું શિવભક્ત છે અને શ્રાવણમાં તું મૌન પાળે છે.તેથી અમે પ્રસન્ન છીએ.તારી મનોકામના પૂરી કરીશું.
પત્ની સાથેના લવ કમ એરેજ્ડ મેરેજ કેવી રીતે થયા તે અંગે ઋષભે કહ્યું કે,સેજલ અને હું 4 મહિના પહેલા મારા એક મિત્રના લગ્નમાં જ પહેલીવાર મળ્યા હતાં.ત્યારે અમારે ફક્ત કેમ છો?જેટલી વાત થઈ હતી.મારા મિત્રની પત્ની સેજલની બેસ્ટ ફ્રેન્ડ હતી.ત્યાર પછી મારા મિત્રના પત્નીએ પહેલીવાર અમારી બન્નેની વાત કરાવી હતી.સેજલે મને પૂછ્યું કે તમે શું કરો છો?કેટલું સ્ટડી કરેલું છે? અમારે 2-3 વખત જ વાત થઈ હતી.ત્યારબાદ પરિવાર સાથે જ વાત કરીશ એવું મેં નક્કી કર્યું હતું.એ પછી મેં એમના પરિવાર સાથે વાત કરી.પરંતુ સેજલના પરિવારે લગ્ન માટે ના કહી દીધી.અમે એમને કહ્યું કે તમારી ના છે,તો અમે લગ્ન નહીં કરીએ.અમે નક્કી કર્યું કે થશે તો આપણે લગ્ન કરીશું.બાકી લગ્ન જ નહીં કરીએ.ઘરના તથા સમાજના વડીલો સાથે વાત કરી.છેવટે સેજલનો પરિવાર લગ્ન માટે સહમત થઈ ગયો.આ સમગ્ર સમયગાળો 4 મહિનાનો જ હતો.મારા પત્ની અંગે વાત કરું તો સેજલ બારોટ કડી કલોલની રહેવાસી છે અને તેણીએ કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.અમારા લવ કમ અરેન્જ મેરેજ છે.
ઋષભ આગળ કહે છે કે,પછી લગ્ન નક્કી કરવાનો સમય આવ્યો.મેં શિવજીની જેમ પરણવાની વાત કરતા મારા પરિવારની પણ હા જ હતી.એમણે પણ એવું જ કહ્યું કે તું જે કરી રહ્યો છે એ અમારા માટે પણ અતિભવ્ય છે.આ અંગે જ્યારે મેં સેજલને વાત કરી તો તેણીએ કહ્યું કે મને વિચાર પણ નહોતો કે તમે આ રીતે લગ્ન કરવા માંગો છો.તમે જ્યારે મારા ઘરે વાત કરવા આવશો ત્યારે હું મારા પરિવારને વાત કરીશ.એ માને તો આ રીતે કરીશું, નહીંતર નહીં કરીએ’આ લગ્નમાં 30 થી 35 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
શિવજીની જેમ લગ્ન કરવા એક અઘોરી સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી ‘શિવજીની જેમ લગ્ન કરવાનું નક્કી થયા બાદ હવે લગ્નમાં સાધુઓ અને અઘોરીઓને લાવવા માટે મને ઓળખતા એક અઘોરી સમક્ષ મારી ઇચ્છા વ્યક્ત કરી કે,હું એક શિવ ભક્ત છું.મારી આવી મનોકામના છે જે આપ અતિથી અતિભવ્ય બનાવો.વાત કરી ત્યારે જ એ માની ગયા હતા.એમનુ કહેવું હતું કે આજના સમયમાં કોઈ આવી રીતે લગ્ન કરે એ સાંભળીને જ આશ્ચર્યચકિત થઈ ગયા.મેં કહ્યું હતું કે તમારા અને મહાદેવના આશીર્વાદ છે’
‘શિવરાત્રિના દિવસે નિર્ધારિત થયેલા મારા લગ્નમાં સાધુ-સંતો શિવમય બની ગયા હતા એ મને ઘણું ગમ્યું હતું.ત્યાર પછી મારી શિવયાત્રા નીકળી ત્યારે લાગતું હતું કે શિવ ભગવાન જેવી યાત્રા ધરતી પર ફરીથી નીકળી રહી છે.મારા લગ્નમાં નાગા સાધુ,સંતો અને અઘોરીઓ એમ તમામનું સ્વાગત પુષ્પો અને ઢોલનગારા વગાડીને તથા હાર પહેરાવીને કરવામાં આવ્યું હતું.એમના ભોજન માટે તમામ વસ્તુઓ ફરાળી બનાવવામાં આવી હતી.મારા મિત્રોએ 1500 થી 1700 માણસ માટે વ્યવસ્થા કરી રાખી હતી.અઘોર પંથના નાગા સાધુઓ અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા.એમાંથી મારા કોન્ટેક્ટમાં એક હરિદ્વારના નાગા સાધુ હતાં,એમણે બધાને વાત કરીને બોલાવ્યા હતાં’
‘મારા લગ્નમાં કુલ 30 અઘોરી સાધુઓ આવ્યા હતાં.જેમાં 2 તેમના ગુરુ હતા.જે બિલ્કુલ અઘોર પંથ મુજબ વસ્ત્ર વગર જ આવ્યા હતાં.બીજા બધા લંગોટ કે કાળી ધોતી બાંધીને તો કોઈ જટાઓમાં આવ્યા હતાં.મેં એમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ માંગ્યા હતાં કે મારે બીજું કંઈ જ નથી જોઈતું.આ કાર્ય થઈ રહ્યું છે એમાં સંપૂર્ણપણે મહાદેવ પ્રસન્ન થાય અને સાક્ષાત ધરતી પર આવીને અમને આશીર્વાદ આપે અને આ કાર્ય અદભૂત રીતે પૂર્ણ થાય.કોઈને તકલીફ પડી નથી. ઉપરથી લોકો કહે છે ગોધરા નગરમાં શિવ પાર્વતીની જેમ લગ્ન થયાં એ અમારા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.અમે બધા આનંદમય છીએ’
ભસ્મ અને ભૂખ્યા રહેવા અંગે ઋષભે કહ્યું કે,મારા આખા શરીરે લગાવેલી ભસ્મ ઉજ્જૈનથી મંગાવવામાં આવી હતી.આ ભસ્મ મારા મામાજી સસરાએ મોકલવી હતી.મેં પાણી અને ભોજન લીધા વિના 24 કલાક કાઢ્યા બાદ લગ્ન કર્યા હતા.મહાદેવના ભક્ત એવા વૃષભનો વરઘોડો મંદિરેથી નીકળ્યો હતો.હું મારા ઘર નજીકથી એમાં જોડાયો અને આશરે 3 કિમી જેટલું ચાલ્યા બાદ ફરી અંકલેશ્વર મંદિરે પહોંચ્યા હતાં અને ત્યાં લગ્ન કર્યા હતા.મેં હાથમાં રાખેલા ત્રિશૂળનું વજન 45 કિલો હતું.એ ત્રિશુળ હું દર વર્ષે શિવરાત્રિની યાત્રા દરમિયાન સાથે જ રાખું છું.એ દરમિયાન હું પાણી પણ ગ્રહણ કરતો નથી.રાત્રે પૂજા પૂર્ણ થયા બાદ પાણી અને ભોજન લઉં છું.આગળનું જીવન પણ પહેલા જવું જ રહેશે.સવારે સાડા ત્રણ વાગ્યે ઊઠીને ઘરે પૂજા કરી શિવ મંદિરે જવાનું.
‘હું ક્યારેય પણ ચારધામ ફર્યો નથી કે મેં બાર જયોતિર્લિંગનાં દર્શન પણ કર્યા નથી.મને અંકલેશ્વર મંદિરમાં જ શિવ દેખાયા છે અને ત્યાં જ હું રહ્યો છું.મને એ મંદિરમાં જ સ્વર્ગ દેખાય છે.જેની કોઈ સંખ્યા જ નથી એટલા બધા અનુભવો મને થયાં છે.દર શ્રાવણ મહિનામાં હું મૌન વ્રત ધારણ કરું છું.ત્યારે જેટલા સોમવાર મહાદેવનો શણગાર કરું ત્યારે કોઈપણ અડચણ આવે એમાં મહાદેવ સતત આગળ હોય એવું લાગે છે.જ્યારે સતત લાગ્યા કરે કે આ મારી અડચણ છે અને મારાથી આ કાર્ય પૂર્ણ નથી થઈ રહ્યું ત્યારે મહાદેવ આગળ રહીને કાર્ય પૂર્ણ કરે છે’
શિવજીએ કરેલી સહાય અંગે ઋષભ કહે છે કે,વર્ષ 2017માં જન્માષ્ટમીના દિવસે અમરનાથ મંદિર બનાવ્યું હતું.જે ગોધરામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.4 દિવસમાં નક્કી કર્યું હતું કે મારે અમરનાથ ગુફા અને શિવલિંગ બનાવવું છે.પરંતુ 4 દિવસમાં એ પૂર્ણ થાય એવી શક્યતા નહોતી.ત્યારે ગણેશચતુર્થી પણ આવતી હોવાથી મૂર્તિ બનાવનાર કોઈ કલાકાર આવવા તૈયાર નહોતો.બધાએ મને કહ્યું કે અમારાથી આ કાર્ય નહીં થાય.મેં મનથી નક્કી કર્યું હતું કે કાર્ય તો કરીશ જ.પરંતુ કોઈ રીતે કામ આગળ વધતું નહોતું.ત્યારે રાત્રે 9 વાગ્યે શિવની પાસે જઈને પ્રાર્થના કરી હતી કે,જે કંઈ પણ છે એ તમારું છે મારું કંઈ નથી.
મારે ફક્ત આ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવું છે.જેથી જે અમરનાથ ન જઇ શકતા હોય એ બધા દર્શન કરી શકે.એ માટે તમે આશીર્વાદ આપો અને આ કાર્ય 6 થી 7 કલાકમાં પૂર્ણ થઈ જાય એવી આજ્ઞા આપો.ત્યારે હું ખૂબ રડ્યો.બધા મિત્રો તથા મંદિરના સેવકો વગેરે એ કહ્યું કે આ પૂરું થાય એવું લાગતું નથી.પરંતુ આ કાર્ય પૂર્ણ થયું.મેં કહ્યું જે કંઈ છે એ મહાદેવનું છે.