રામનગર દૂધેલી હનુમાનની ટેકરીના મહંત શ્રી સીતારામ બાપુ ને બજરંગદાસ બાપા નો પરચો

ન તસ્ય દુર્લભ વસ્તું ત્રિષુ લોકેષુ વિધતે ! એને ત્રણે લોકમાં કશું દુર્લભ નથી.સાબરકાંઠા-તાલુકો ખેડબ્રહ્મા, રામનગર દૂધેલી હનુમાનની ટેકરીના મહંત શ્રી સીતારામ બાપુ લખે છે કે .હું અને મારા પાંચ સેવકો મળી અમે છ જણા તા. ૯. ડિસેમ્બર’ ૮૦ ના રોજ સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ રામનગર દૂધેલી હનુમાન ટેકરી- બજરંગદાસ બાપા આશ્રમથી પગપાળા બગદાણા જવા નીકળ્યા. પ્રવાસના વીસમા દિવસે તા. 28-12-1980 ના રોજ અમે વલભીપુરની આ બાજુ મોણપર-કાનપરની વચ્ચે હતા.

ત્યાં મારો પગ એકાએક જકડાઈ ગયો ચાલવું અસંભવ બની જતા રસ્તાની બાજુ પર બેસી ગયો, પગ લાકડું બની ગયો હતો.કલાક જેટલો સમય આમ બેઠો રહ્યો હોઈશ, ત્યાં મારા કાનમાં અવાજ સંભળાયો આજ રાત કાનપર ગોવિંદ પટેલને ત્યાં રોકાજે. થોડોક સમય વીત્યો ત્યાં સાતેક વર્ષનીવયનો એક બાળક બાજુના ખેતર તરફથી મારી પાસે આવ્યો અને મને કહે કે શા માટે બેસી રહ્યા છો ?કાનપુરની હદમાં આમ બેસી રહેવાનું શું કારણ છે ? મેં એને કહ્યું : છોકરા મારો પગ ઉપડતો નથી, કયો પગ ? મેં પગ બતાવ્યો. એ પગ ઉપર એ બાળકે હાથ મૂકતાં દુઃખ મટી ગયું હોય એવું લાગ્યું. હું ઊભો થયો અને અમે ચાલીને નજીક કાનપર પહોંચ્યાં.

બાપાનું ગોવિંદ પટેલને ત્યાં સ્થાન છે. એક ઓરડામાં ગાદી છે એ ઓરડામાં અમે રાત્રે સુતા. રાતના બે થી ત્રણનો સુમાર હશે ! ગાદી પરથી અવાજ આવ્યો : સીતા રામ જાગે છે ? મેં કહ્યું : હા બાપા, શી ઈચ્છા છે ? બાપા દર્શનની ઈચ્છા છે. મેં કહ્યું. બાપાની ગાદી પરથી અવાજ સંભળાયો પાલીતાણા દર્શન થશે. તા. ૩૧મી ડિસેમ્બરે પાલીતાણા પહોંચ્યા.પટેલ ધર્મશાળામાં રહ્યા.

રાતના બાર વાગ્યે રૂમનું બારણું ખખડતાં ઊભા થઈ મેં બારણું ઉઘાડયું તો બાપાશ્રીના દર્શનનો ભાસ થયો મારું મન આનંદથી ભરાઈ ગયું. સવારના ગારીયાધાર ખબર મોકલતાં પુજ્ય દયારામબાપાએ પાલીતાણા આવી દર્શનનો લાભ આપ્યો. તારીખ બીજી જાન્યુઆરી ૧૯૮૧ના રોજ શુક્રવારે ઠળિયામાં બપોરા કરી બગદાણા જવા નીકળ્યા રસ્તામાં શ્રીપ્રવીણભાઈ મોટર લઈને આવ્યા, બાપાએ એમને મોકલેલા. મેં પગપાળા પહોંચવાનો નિયમ છે. એ કહે ભલે આરતી નો ટાઈમે પહોંચી જશો. મોટર મોટર જતી રહી અને અમે બગદાણા આશ્રમ પહોંચી ગયા.જ્યારે સન ૧૯૭૦-૭૧ની એ સાલ હતી હું કિશોરાવસ્થાના દિવસો પૂર્ણ કરી યુવાનીમાં ડગ માંડ્યા હતા.

બાલ્યકાળથી જ ભજનનો રંગ લાગેલો એટલે સાધુ-સંતના દર્શન કરવાની તાલાવેલી ખૂબ રહેતી.એ સમયના સિદ્ધ પુરુષોમાં પ્રાતઃસ્મરણીય પૂજ્ય બજરંગદાસ બાપાનું નામ ઘણું જાણીતું હતું. મનમાં ઈચ્છા એટલી પ્રબળ કે બાપાના દર્શન થાય તો સારું કારણ કે બાપાના પરચાઓ વિશે ઘણી વાતો સાંભળેલી. આખરે ઈશ્વરકૃપાએ એવો યોગ પણ આવી ગયો. અમે બગદાણા પહોંચ્યા. ભોજન બાદ બાપાના દર્શન માટે ગયા. લાકડાની મોટી પાટ પર બાપાનું આસન હતું. આવી ભયંકર ઠંડીમાં પણ બાપા માત્ર નામની ધોતી પહેરી ખુલે શરીર બેઠા હતા.

અમે બધા બાપાની સન્મુખ ગોઠવાઈ ગયા.બાપા બધાને જાતી તથા નામ વારંવાર પૂછે અને પાછા ભૂલી જાય. મારી સાથે મારા મિત્ર અગ્રાવત ભાઈ હતા, તેમને કહ્યું કે : સાધુના દિકરો છે છતાં ઘણું ભણ્યો, મોટો સાહેબ થઈશ અને મેં હરામનું ખાઈ શરીર બગાડ્યું.બાપાની આ ગૂઢાર્થ વાણીનો અમારી પાસે જવાબ ન હતો.એટલામાં આશ્રમના એક સેવકે બાપાને સીતારામ કહી હરિહર માટે બોલાવ્યા. નાના બાળકની માફક બાપા જમવા બેસી ગયા. ભોજનમાં માંડ બે-ચાર કોળીયા ખાધા હશે, કે તુરંત જ થાળી-વાટકાનો સામે ફળિયામાં ઘા કરી ઊભા થઈ ગયા,રાત્રી આકાસમાં જોઈને સી..તા..રામ.સીતા..રામ.ની જોર-જોરથી બૂમો પાડવા લાગ્યા જાણે રામચંદ્ર ભગવાન હાજર ન હોય..! સંતોની લીલાને પામવી અકળ હોય છે. રાતનો ઘણો સમય વીતી ગયો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »