ઝગડામાં વચ્ચે પડતા એક યુવકે મોતને વહાલું કર્યું, વડોદરા મા ઝગડો થતા..
વડોદરા શહેરના આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે ગત મોડી રાત્રે રોડ પર ચાલી રહેલા ઝઘડામાં મધ્યસ્થી બનેલા યુવાનની હુમલાખોરોએ ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ભાઇને ગુમાવનાર બહેને જણાવ્યું હતું કે, જ્યાં સુધી મારા ભાઇના હત્યારાઓની ધરપકડ નહીં કરે ત્યાં સુધી અમે મારા ભાઇનો મૃતદેહ સ્વીકારીશુ નહીં. આ બનાવ અંગે બાપોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
બે ભાઈઓ પેટ્રોલ પુરાવવા નીકળ્યા હતા વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા શાંતિનગરમાં રહેતો આદર્શ શર્મા અને તેનો ભાઇ અમન મોડી રાત્રે પેટ્રોલ પુરાવવા માટે નિકળ્યા હતા. તે સમયે તેમના ઘરના પાસે આવેલા જે.પી નગર સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે કેટલાક યુવાનો ઝઘડો કરી રહ્યા હતા. બંને ભાઇઓ થઈ રહેલા ઝઘડા બાબતે મધ્યસ્થી કરવા ગયા હતા અને ત્યાંથી પેટ્રોલ પુરાવા નીકળી ગયા હતા. પેટ્રોલ પુરાવી બંને ભાઈ પરત ફરી રહ્યા હતા, ત્યારે પણ ઝઘડો ચાલતો હતો.
સયાજી હોસ્પિટલમાં યુવાનનું મોત મૃતકના ભાઇ અમન અને બહેન નેહલ શર્માએ જણાવ્યું હતું કે, પેટ્રોલ પુરાવીને જ્યારે ભાઇ આદર્શ ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે સોસાયટી પાસે ઝઘડો થયો હોવાની બાબત ધ્યાને આવતા તે ઝઘડામાં ઓળખીતો વ્યક્તિ હોવાથી તેને છોડાવવા માટે તે વ્યક્તિના પરિવારને લઈને આદર્શ શર્મા અને તેમના ભાઈ અમન શર્મા ત્યાં પહોંચ્યા હતા.
જ્યાં બોલાચાલી ઉગ્ર થતાં અમન શર્માને માર મારવામાં આવ્યો હતો. જ્યારે આદર્શ શર્મા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતાં તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આદર્શ શર્માનું સારવાર દરમિયાન મોત થયું છે.