સોરઠ ની ગાયકવાડી સરકાર ને હંફાવતો ભડવીર વીર રામવાળો.

ઇ.સ.૧૯૧૪ના મહા મહિનાનો એ દિવસ જુનાગઢની પ્રજા જ્યારે સંભાળશે ત્યારે એની આંખના ખુણા જરૂર ભીના થશે.અમરેલી,ધારી,ખાંભા જેવા ગાયકવાડી ગામોને થરથર કંપાવનારા સોરઠની ધરતીના ઉજળા સપુત રામવાળાનો એ અંતિમ દિવસ હતો.

સોરઠની પ્રજા એના ખમીરવંતા તારલાનો ઇતિહાસ જાણે જ છે.અમરેલી ગાયકવાડી તાબાના વાવડી ગામના કાળા વાળાનો એકનો એક દીકરો રામ વાળો સરકાર ને શાહુકારોના જુલમ સામે બહારવટે ચડીને સોરઠની ધરણીને ઘમરોળી રહ્યો હતો ત્યારે તેણે ખીજડીયા ગામ ભાંગ્યુ ને એક પ્રજાને ફોલી ખાનાર વાણિયાનો પટારો એક પાટું મારતાં વેંત ભાંગી નાખ્યો અને લાકડાંના પટારામાં રહેલ ખીલી તેના ડાબા પગમાં ખૂંપી જાય છે,એ ખીલી લાગવાથી રામવાળાનો પગ પાકે છે.ખીજડીયા ભાંગી તેઓ ગુજરીઆમાં કાળુ ખુમાણ નામના કાઠીને ત્યાં રહે છે.અને એના પગમાં ભયંકર પીડા ઉપડવી શરુ થાય છે,અધુરામાં પુરુ નાગ અને મેરુ રબારી સિવાય તેના બધાં સાગરીતો તેનો સાથ છોડી ચાલ્યાં જાય છે.

ત્યાંથી રામવાળાને ખંભા પર ઉપાડી નાગ અને મેરુ રબારી જુનાગઢ નજીક બીલખાંમાં કાઠી દરબારને ત્યાં આવે છે.અને ત્યાં રામવાળાના પગની પીડા બધા સીમાડા ઓળંગી જાય છે,રીતસરનો લવલવાટ ઉપડે છે,પગમાં હુતાશણી ભડકા કરે છે.રામવાળાને અંત નજીક જણાતા તે ગિરનાર જઇ રહેવાની ઇચ્છા વ્યક્ત કરે છે.અને પછી તેને બળદગાડામાં ગુપ્ત રીતે ગિરનાર પહોંચાડાય છે.

ગિરનારની ગોદમાં “બોરીયા ગાળા” નામની ભયાનક એકાંતી ગુફામાં રામવાળાને રાખવામાં આવે છે.નાગ અને મેરુ તેની સાથે છે.એમાં એક દિવસ નાગને મેરુ પર શંકા જવાથી કે કોઇ કારણસર તે રામવાળાની પથારી પાસે જઇ ધીમેથી કહે છે કે મેરુનું કાસળ કાઢી નાખીએ,એ નાહકનો આપણને કમોતે મરવશે.રામવાળો પોતાને ખભે ઉપાડીને ફેરવનાર સાથી સાથે આવો વિશ્વાસઘાત કરવાની ચોખ્ખી ના પાડે છે.પણ..હાય રે કમનસીબી ! આ વાત ગુફાની બહાર લપાઇને મેરુ સાંભળી લે છે.એના અંગેઅંગમાં લાય વ્યાપી જાય છે.

બીજે દીવસે એટલે મહા સુદ ત્રીજના દીવસે મેરુ પોતાની ચાલ ખેલે છે.તે નાગને કહે છે કે હવે બોરીયા ગાળા તરફ માલધારીઓની અવર-જવર થવાથી બીજી જગ્યા ગોતવી પડશે.બંને નવા ઠેકાણાની શોધમાં જાય છે.પાછા ફરતાં બપોર થઇ ગયેલ હોઇ બંને એક નેળામાં ઝાડને છાંયે વિસામો લેવા રોકાય છે.નાગને ઊંધ ચડી જાય છે એ વખતે ઊંધવાનો ડોળ કરતો મેરુ હળવેથી નાગની ભરેલી જામગરીવાળી બંધૂક ઊપાડી નાગને વીંધી નાખે છે અને સીધો જૂનાગઢ આવી મહોબ્બતખાનની ફોજ(ગીસ્ત)ને કહે છે કે,રામવાળો બોરીયા ગાળામાં છે,સાથે કોઇ નથી,એની બંધૂકમાં એક ભડાકો થાય એટલી જામગરી છે.પચાસ સૈનિકો ત્વરીત તૈયાર થઇ ચાલી નીકળે છે.

રામવાળો લોટ મસળતો હતો એ વખતે ફોજ ગુફાના મુખ આગળ ઊભીને હાકોટા નાખે છે.રામવાળો મેરુની હરામખોરી સમજી જાય છે.ફોજને પડકાર ફેંકે છે કે – માનું ધાવણ ધાવ્યા હોય તો અંદર હાલ્યાં આવો.હું એક છું અને બંધૂકમાં જામગરી પણ એક છે ! પણ કોઇ ફોજી બચ્ચો ગુફામાં પગ દેવાની હિંમત કરી શકતો નથી.સૈનિક બાવળના વળાં(ઘાટી,સુકાયેલ ડાળો)નો ઢગલો ગુફા આગળ કરી ગુફા બંધ કરે છે.અને પછી આગ ચાંપે છે.આખી ગુફા સદંતર બંધ હોવાથી ધુમાડાથી ને આગના અજગર જેવા ફુંફાડાથી ભરાય છે

અંદર રહેલો “નરેશ્વર” અભિમન્યુ બફાવા લાગે છે.અંતે આ લવકારા સહન ના થતાં તલવારને ટેકે તે બહાર કૂદે છે અને પોતાની બંધૂકની એકમાત્ર ગોળી સામે ઊભેલા સૈનિકની છાતીમાં ઠોકે છે,ત્યાં જ એકસામટી પચાસ બંધૂકો ગરજે છે અને શિયાળવાઓ ભેગા મળી એક લાચાર સિંહનો શિકાર કરે છે. આમ,ગિરનારનો એ બોરીયો ગાળો સોરઠની ધરતીના નરવાહનનો ભોગ લે છે.હજી પણ એ બોરીયો ગાળો રામવાળાની કંઇ કંઇ યાદો સંઘરી એ નરબંકાના મંદિર સમાન બેઠો છે.

રામવાળાને બે બહેનો હતી  માકબાઇ અને લાખુબાઇ.બંનેને બાબરીયાવાડ પંથકના ગામોમાં પરણાવેલ.માકબાઇને કાતર ગામે અને લાખુબાઇને સોખડ ગામે.બાપ કાળાવાળાના અવસાન બાદ થોડે વરસે માં રાઠોડબાઇ દેવલોક થયાં બંને બહેનોને ત્યારે કારજ કરીને ઘરનો બધો સામાન બંને બહેનો વચ્ચે સાણસી ને તાવેથા સમેત સરખે ભાગે વહેંચી,પોતાની થોડી જમીન હતી તે (બાકીની જમીન ગાયકવાડ વતી વાવડી ગામના મુખી ડોસા પટેલે જપ્ત કરેલી,જેને પાછળથી રામવાળે ઠાર મારેલ)શેલ નદીને કાંઠે બુઢ્ઢેશ્વર મહાદેવની જગ્યામાં અર્પણ કરી,બધું ખાલી કરી રામવાળો બહારવટે ચડ્યો હતો.

લાખુબેન ત્યાર પછી ઘણા વરસ જીવ્યા.અને ગુજરાતનો સુપ્રસીધ્ધ “રામવાળાનો રાસડો” તે ગાતા ત્યારે ભલભલાંને રોવરાવતા.વિચાર તો કરો.જેના ભાઇના રાસડા આખા કાઠીયાવાડમાં ગવાતા હોય એ બેનના કેટલાં મોટા સૌભાગ્ય ! અને એ સાથે ભાઇની વિદાયની વસમી વેદના ! લાખુબેન કાઠીયાણીઓ સાથે એ રાસડો લઇ મેદાનમાં,ફળિયામાં ઘુમતા ત્યારે સાક્ષાત જોગમાયા રમવા ઊતરી હોય એવો આભાસ થતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »