ભાવનગર શહેરનાં પીરછલ્લા શેરીમાં મિત્ર દ્વારા મિત્ર ઉપર છરી વડે હુમલો
ભાવનગર શહેરના પીરછલ્લા શેરીમાં આજે એક યુવક પર જૂની અદાવતે એક ઈસમ દ્વારા છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા યુવકને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચતા જ હુમલો કરનાર યુવકને ઝડપી લઇ નજરકેદ કરવામાં આવ્યો છે.
ભાવનગર શહેરના પીરછલ્લા શેરીમાં આજે જૂની અદાવતને લઇને મેહુલભાઈ નિલેશભાઈ કડીવાળ નામના યુવક પર એક ઈસમ દ્વારા છરીના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ભાવનગરના ભરચક એવા પીરછલ્લા વિસ્તરમાં સરાજાહેર આ ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે ઘટનાના પગલે સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા અને હુમલો કરનાર યુવકને ત્યાં જ રોકી રાખ્યો હતો ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલો કરનાર કૃષિ વોરા નામના યુવકને ઝડપી લઇ તેને નજરકેદ કરવામાં આવ્યો હતો.
જો કે ગંભીર રીતે ઘવાયેલ યુવકને સ્થાનિકો દ્વારા ભાવનગરની સર.ટી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં એસપી એ.એસ.પી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો પહોંચ્યો હતો અનેઇજાગ્રસ્તની ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી હતી